“પાણી નહીં તો વોટ નહીં” તેમજ “ચૂંટણી બહિષ્કાર”ના સૂત્રોચ્ચાર પોકારાયા
આ પહેલા ટ્રેક્ટર રેલી યોજાઈ હતી, આ વખતે મહિલાઓ પણ પાણી માટે મેદાનમાં
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યાને લઇને લોકોનો કકળાટ જોવા મળી રહ્યો છે. જેમાં એક માસ અગાઉ મલાણા તળાવ ભરવાના મુદ્દે પાંચ હજારથી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તળાવ ભરવા રજૂઆત કરી હતી. જો કે તંત્રના પેટનું પાણી ન હાલતાં આજે બુધવારે સાત હજારથી પણ વધુ મહિલાઓ તેમજ પુરૂષો ભેગા થઈ પાલનપુરના બિહારી બાગથી પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મલાવ તળાવ ભરવા રજૂઆત કરશે. જેમાં લોકો “પાણી નહિ તો વોટ નહિ” જેવા સૂત્રો વાળાં બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યાં છે.
સાત હજારથી વધુ લોકો દ્વારા રેલીનું આયોજન
મલાણા ગામનું તળાવ ભરવાની માંગ સાથે આસપાસના 50 ગામના ખેડૂતોને રેલીમાં જોડાવવા ભારતીય કિસાન સંઘે આહવાન કર્યું છે. જેમાં મહિલાઓ અને ખેડૂતો સહિત સાત હજારથી વધુ લોકોએ રેલીનું આયોજન કર્યુ છે. આ રેલીમાં જોડાવા ભારતીય કિસાન સંઘ દ્વારા ગામે ગામ મિટિંગો યોજી ગામડા બંધનું એલાન આપી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં લોકોને જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
બે મહિનામાં ખેડૂતોની ત્રીજી રેલી
અગાઉ 50 ગામના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી તેમજ પાલનપુર બિહારી બાગથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા. તેમ છતાં સરકાર કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે ફરીથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તળાવ નહીં ભરાય તો ચૂંટણી બહિષ્કાર કરાશે
આજે પાલનપુરના બિહારી બાગ પારપડા રોડ પાસે સભા યોજ્યા બાદ “પાણી નહી તો વોટ નહીં” અને “ચૂંટણી બહિષ્કાર” સહિતના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ સહિત ખેડૂતોએ પગપાળા રેલી યોજી છે. જો કે આ રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ વિસ્તારના ખેડૂતોની એક જ માંગ છે કે મલાણા તળાવ નહીં ભરાય તો વિસ્તારના લોકો ચૂંટણી બહિષ્કાર કરશે અને ગામમાં કોઈ સરકારી પોગ્રામ કે રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહિ આપવામાં આવે. નોંધનીય છે કે છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર આ વિસ્તારના ખેડૂતો પાણી માટે રેલી યોજી રહ્યા છે.
સણાદરમાં PM આવે તે પહેલા ખેડૂતો આકરા પાણીએ
દિયોદરના સણાદરમાં બનાસડેરીના નવા પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. 19 એપ્રિલના દિવસે તેઓ બનાસકાંઠામાં આવી રહ્યા છે. તે પહેલા પાલનપુરનું મલાણાનું તળાવ ભરવા માટે ખેડૂતો આકરા પાણીએ આવ્યા છે.
કલેકટર કચેરીએ આરોગ્યની ટીમ ખડકાઈ
મલાણા ગામનું તળાવ ભરવાના બે દિવસથી રેલીના પોસ્ટર વાયરલ થયા હતા જેના અનુસંધાને તંત્ર દ્વારા ગરમીમાં કોઈ ખેડૂત અથવા મહિલા પશુપાલક બીમાર થાય તે માટે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કલેકટર કચેરીએ આરોગ્યની ટીમ તૈનાત રાખવામાં આવી હતી.
સેટેલાઇટ સર્વેનો 15 દિવસમાં રિપોર્ટ આવ્યેથી આગામી નિર્ણય લઈશુ: કલેકટર
અગાઉ આવેદનપત્ર આપ્યું હતું જે સિંચાઇ વિભાગ ને લાગુ પડતું હોવાથી તેમના દ્વારા સેટેલાઈટ સર્વે માટેની કામગીરી હાથ ધરાઇ છે જેનો રિપોર્ટ દસ પંદર દિવસમાં આવી જશે જે બાદ આઠ-દસ આગેવાનો સાથે બેઠક કરી જુદી જુદી બે ત્રણ બાજુથી કેવી રીતે પાણી લાવી શકાય ઉપરાંત એક લઈને સરકાર દ્વારા કસરા હારીજ પાટણથી શરૂ કરવામાં આવી છે જેની કામગીરી ચાલી રહી છે. આ તમામ બાબતો ને લઈ સરકાર હકારાત્મક છે આ એક દિવસમાં કઈ થઈ જવાનું નથી. થોડો સમય ચોક્કસ લાગશે.>આનંદ પટેલ , કલેકટર
150 ફૂટે પથ્થર હોઈ કેવી રીતે ખેતી કરવી: ખેડૂત
મલાણા આસપાસના મોટાભાગના ગામોમાં 150 ફૂટ એ નીચે પથ્થર આવી જતા આ વિસ્તારના ખેડૂતો ઉનાળુ ખેતી કરી શકતા નથી. અમે લોકો આવનારી પેઢીના માત્ર જીવવા માટે પાણી માંગીએ છીએ. જો પાણી જ નહીં હોય તો કેવી રીતે જીવીશું ?આગામી સમયમાં પાણી નહીં મળે તો વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી દહેશત સેવાઈ રહી છે.
Source – divya bhaskar