પોલીસે ત્રણેય શખ્સો પાસેથી મળી ૨૪ હજારથી વધુની કિંમતના ૧૨૩ રિલ કબ્જે કર્યા
હાલમાં ચાઈના દોરીના વેચાણ બબાતે પોલીસ એકશનમાં આવી છે તો બીજી બાજુ ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે તગડો નફો રળી લેવા માટે પતંગના વેપારીઓ ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા હોય છે. ત્યારે મહેસાણામાં આવા જ ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
મહેસાણાના ગોપાલ નગર નજીક પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી આધારે સ્થાનિક બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી. જેમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા તીર્થ મહેશ રાવળ તેમજ મિતુલ શંભુજી ક્ષત્રિયને ચાઈનીઝ દોરીના રૂ ૨૪ હજારની કિંમતના ૧૨૦ રિલ સાથે ઝડપી લીધો હતા.આ ઉપરાંત મહેસાણા શહેરના રાધનપુર રોડ પાસે ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા શૈલેષ નટુભાઈ રાવલને રૂપિયા ૬૦૦ની કિંમતના ચાઇનીઝ દોરીના ૩ રિલ સાથે પોલીસે પકડી લીધો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરાલુના મંડાલી દૂધ મંડળીના મંત્રીના ગળામાં કાતિલદોરી ફસાતાં ગાલ કપાઇ ગયો
ખેરાલુ તાલુકાના મલેકપુર પાટિયા નજીક એક્ટિવા લઇ પસાર થઇ રહેલા મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રીના ગળામાં કાતિલ દોરી ફસાઇ જતાં ગાલ કપાઇ ગયો હતો. ખેરાલુ તાલુકાના મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રી પ્રજાપતિ ગાંડાભાઇ મોતીભાઇ શનિવારે સાંજે એક્ટિવા લઇ ખેરાલુથી મંડાલી તરફ આવી રહ્યા હતા.દરમિયાન મલેકપુર પાટિયા પાસે અચાનક તેમના ગળામાં દોરી આવી ગઇ હતી અને મોઢાના ભાગે દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. જ્યાં રોડ ઉપર પસાર થતા રામપુરાના યુવકોની નજર પડતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં અને ત્યાંથી મહેસાણા રીફર કરાયા હતા.