મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા નુગર બાયપાસ પાસે મોઢેરા હાઇવે પર નુગર ગામના કેટલાક યુવકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. એ દરમિયાન હાઇવે પાસે એક ઝાડ પર યુવક-યુવતીની લાશ લટકતી હોવાનું નજરે પડ્યું હતું. ઘટનાની જાણ નુગર ગામના સરપંચે મહેસાણા પોલીસ કંટ્રોલમાં કરી હતી. ત્યાર બાદ મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. નુગર ગામમાં રહેતી ઠાકોર મનીષા રવિન્દજી અને ઠાકોર ચેતનજી રાયમલજી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો.
અગાઉ પ્રેમસંબંધની જાણ બંનેના પરિવારને થતાં પ્રેમીઓને સમજાવ્યા હતા. જાેકે બાદમાં થોડા દિવસ અગાઉ પ્રેમિકાની સગાઈ અન્ય સ્થળે કરી હોવાની પણ વિગતો મળી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવક અને યુવતી એક જ મહોલ્લામાં રહેતાં હતાં, જ્યાં એક વર્ષ અગાઉ બને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમણે અગમ્ય કારણોસર નુગર બાયપાસ પાસે આવી એક અલગ અલગ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં બંને પરિવાર પણ શોકમય બન્યા છે. મળતી માહિતી પ્રમાણે, યુવક રાત્રે ૧૨ વાગ્યા પહેલાં પોતાના ઘરે હાજર હતો. જાેકે પરિવારના સભ્યો ઊંઘી ગયા બાદ બંને પ્રેમીઓએ આ પગલું ભર્યું હોવાની વિગતો મળી રહી છે. પોલીસે ઘટનાસ્થળે જઈ લાશોને મહેસાણા સિવિલમાં પીએમ માટે મોકલી આપી વધુ તપાસ આદરી છે.
મહેસાણાના નુગર બાયપાસ પાસે એક યુવક અને યુવતીની લાશ હાઇવે પાસે ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં વહેલી પરોઢે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ગામના સરપંચે જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરાઈ હતી.