કડી તાલુકાના વેકરા ગામની પાસે ખુલા ખેતરમાં ઠાકોર મહેશ અને ઠાકોર અનિલ ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળતા ટીમે વેકરા ગામે જઇને દરોડો પડયો હતો. આ દરોડા દરમિયાન ગાંધીનગરની ટીમે બે આરોપીને ઝડપી ૧૦ હજાર ૬૦૬નો વિદેશી દારૂ, દારૂના વેચાણના રોકડ રકમ ૧૪ હજાર ૪૦૦, ૩ મોબાઈલ જેની કિંમત ૧૦ હજાર ૫૦૦, બે એક્ટિવા જેની કિંમત ૧ લાખ ૧૫ હજાર ૬૦૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી ઠાકોર ચેતન લાલજીને વોન્ટેડ જાહેર કર્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી મહેસાણા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ પર ગાંધીનગર સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ પણ ઉઠ્યા છે.
થોડા દિવસ અગાઉ પણ મહેસાણા તાલુકા પોલીસની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલ પંપ પર દરોડા પાડી ૯ ને ઝડપ્યા બાદ બે દિવસ અગાઉ તાલુકા પીઆઇ પારધીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્ય હતા.મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ પોલીસ મથકોની હદમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણ, જુગાર, બાયોડિઝલના ધંધાઓ પર સ્થાનિક પોલીસને ગંધ પણ આવવા દીધા વિના અવારનવાર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરોડા પાડી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે વધુ એક વાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મહેસાણા જિલ્લામાં આવેલા બાવલું પોલીસ મથકની હદમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.