શિક્ષકોની યાદી સાથે ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની શિક્ષણાધિકારીને સરકારી શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશન મુદ્દે રજૂઆત
મહેસાણા સહિત જિલ્લામાં અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતાં સરકારી પગાર લેતાં શિક્ષકોમાથી અમુક શિક્ષકો પ્રતિબંધ હોવા છતાં ખાનગી ટ્યુશન ચલાવી રહ્યા છે. કેટલાક ઘરના ઠેકાણે, કેટલાક કોમ્પલેક્ષોમાં તો કેટલાક સ્કૂલ સમય પહેલાં કે પછી શાળામાં જ ટ્યૂશન કરાવે છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને તેમની સામે નક્કર પગલાં લેવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વિવિધ શાળાઓના 49 ટ્યૂશનિયા શિક્ષકોની યાદી સાથે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશનને રજૂઆત કરાઇ છે. તેમના દ્વારા આ બાબતે કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મહેસાણા ફેડરેશન ઓફ એકેમેડિક એસોસીએશનના બી.કે. પંચાલે જણાવ્યુ હતું કે, મહેસાણા શહેરના ખાનગી ક્લાસિસો તરફથી મહેસાણામાં જે શાળાઓના શિક્ષકો ટ્યૂશન કરી રહ્યા છે તેની યાદી ગાંધીનગર રાજ્ય કક્ષાના ફેડરેશનમાં મોકલવામાં હતી. ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લામાં સરકારી, અનુદાનિત સહિત શાળાઓના શિક્ષકો દ્વારા કરાતાં ખાનગી કોચિંગ ક્લાસ અંગે યાદી સાથે ડીઓ કચેરીઓમાં રજૂઆત કરાઇ છે. યાદીમાં મહેસાણા અને વડનગર તેમજ આસપાસના ટ્યૂશન કરતાં શિક્ષકોનો સમાવેશ છે. જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે. મોઢે કહ્યું કે, ફેડરેશનથી મળેલી રજૂઆત ધ્યાનમાં લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.