ગુજરાત સરકાર દ્વારા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગના હોદ્દા પરથી હટાવી દેતાં થરાદ શ્રીમાળી બ્રહ્મ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં રવિવારે જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો સહિત યુવાઓ એકઠા થઇ રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. બ્રહ્મસમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમારા બ્રહ્મ સમાજના રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી સરકારે મહેસુલ વિભાગ ઝૂંટવી લીધું છે, તેમજ ઉપરા ઉપરી બ્રહ્મ સમાજને ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે, થોડા દિવસો પહેલા બોટાદના લઠ્ઠા કાંડમાં એસીપી સુભાષચંદ્ર ત્રિવેદીને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા બાદ પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલને પણ હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
આથી બ્રહ્મ સમાજ સામે રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી બ્રહ્મ સમાજ દ્વારા રાજ્ય સરકાર ભાનમાં આવો રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ ખાતું પરત કરો તેવી રામધૂન બોલાવી સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો, જેમાં રવિવારે જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ મિટીંગમાં મહેશભાઈ દવે જસરા, કે.એન.જોષી, રાજુભાઈ દવે, નાગરભાઈ જોષી, સાગરભાઈ વ્યાસ, અલ્પેશભાઈ જોષી, જગદીશભાઈ ઓઝા, મિતુલભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ ત્રિવેદી, હરેશભાઈ ત્રિવેદી સહિત બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ