ફ્લેટ ખરીદવાના ટોકન રૂપે 5,000 આપવાના બહાને વૃદ્ધના ઘરે જઇને ફસાવ્યા
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા વૃદ્ધને મહેન્દ્ર નગર એક ફ્લેટ વેચવાનો હતો દરમિયાન એક ગેંગે તેઓને ફસાવવા કાવતરું રચ્યું હતું અને ફ્લેટ ખરીદવાના નામે 2 મહિલા વૃદ્ધને મળવા પહોચી હતી અને ટોકન રૂપે રૂ 5000 આપવા પહોચી હતી દરમિયાન વાતચીતના બહાને પાસે બેસી ગઇ હતી અને ત્રીજા એક શખ્સે છૂપાઈને ફોટા પાડી લીધા હતા બાદમાં આરોપીઓએ ભેગા મળી ધમકાવવાનું શરુ કર્યું હતું અને તેમનું અપહરણ કરી વાંકાનેર તરફ લઈ ગયા હતા અને એક કરોડની માગણી કરી હતી, એટલું જ નહીં, એ વખતે 22 લાખ તો ખંખેરી લીધા અને બાદમાં બાકીની રકમ આપવા માટે સતત ધમકીઓ આપતા હોઇ, વૃધ્ધે આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી અને પોલીસે 2 મહિલા સહિત તમામ 6 આરોપીની ધરપકડ કરી હતી.
બી ડિવિઝન પોલીસે તપાસ કરતા આરોપીઓ એમપીમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે એક ટીમ બનાવી એમપી મોકલી હતી અને આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગર, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ અને ઉષાબેન પટેલને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
આરોપી દિલીપ કાવતરાનો માસ્ટર માઇન્ડ
આરોપી દિલીપને વૃદ્ધ લાંબા સમયથી ઓળખતો હતો અને વૃદ્ધ અવાર નવાર આર્થિક રીતે મદદ પણ કરતા હતા પણ વૃદ્ધ પાસેથી મોટી રકમ પડાવી લેવાની મનમાં લાલચ જાગી અને વધુ રૂપિયા પડાવવા આ કાવતરું રચ્યું હતું જે માટે તેમને જૂના પાડોશી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણ બારોટનો સંપર્ક કર્યો હતો. તેને ચોટીલાના અનિલ ઉર્ફે દેવાનો સંપર્ક કર્યો હતો. દેવો અને પ્રશાંત આવી પ્રવૃત્તિમાં અગાઉ સંડોવાયેલા હતા, જેથી 2 મહિલા અને બાકીના આરોપી સાથે સંપર્ક કરી વૃદ્ધને ફસાવ્યા અને કાવતરા મુજબ વૃદ્ધને શિકાર બનાવી રૂ.22 લાખ જેટલી રકમ પડાવી લીધાનું સામે આવ્યું છે.
SOURCE – DIVYA BHASKAR