- ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનો પદગ્રહણ સમારોહ યોજાયો
- રાજકીય સમારોહમાં 150 લોકોની મર્યાદાની ગાઈડલાઈનના ધજાગરા
રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. કોરોના હવે પીક પર જઈ રહ્યો છે જેના પગલે સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્ન સમારંભમાં માત્ર 150 લોકોની જ હાજરી રાખવા અંગેની ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આજે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના પદગ્રહણ સમારોહમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે હોલમાં યોજાયેલા પદગ્રહણ સમારોહમાં આખો હોલ લોકોથી ભરાઇ ગયો હતો. 200થી વધુ લોકોથી ભરેલા આ હોલમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન ક્યાંય જોવા મળ્યું ન હતું. ગઈકાલે જ સરકારે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી, જોકે 24 કલાકમાં જ રાજકીય નેતાઓએ તેના ધજાગરા ઉડાવી દીધા હતા.
સ્ટેજ પર ધાનાણી-ચાવડા માસ્ક વિના બેઠા
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ બી. શ્રીનિવાસની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં હોલમાં તો 200થી વધુ લોકો જોવા મળ્યા હતા, સાથે જ કોંગ્રેસના કાર્યાલયની બહાર પણ અનેક ભીડ જોવા મળી હતી. કાર્યક્રમમાં જ અનેક લોકો માસ્ક વગર બેઠેલા જોવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સ્ટેજ પર માસ્ક વિના જોવા મળ્યા હતા. જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય.
લગ્નમાં માત્ર 150 વ્યક્તિને છૂટ
રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે. 15 જાન્યુઆરીથી લગ્નસરા શરૂ થઈ રહ્યાં છે અને સરકારે ગાઇડલાઇન બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. આમ રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણોમાં ફેરફાર કરી પલટી મારી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને તારીખ 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
જાહેર કાર્યક્રમોમાં પણ 150 લોકોની જ મર્યાદા
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
ગઈકાલે રાજ્યમાં 7000થી વધુ કેસ આવ્યા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા અને 2704 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા હતા. એટલું જ નહીં, 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા હતા. અગાઉ 17 મેએ 7135 કેસ હતા. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા હતા. અને અમદાવાદમાં 2903 કેસ આવ્યા હતા.