ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAP ના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ ૫ વિભાગમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલાં ધોવાઈ રહ્યાં છે.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે “અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનાં હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ.” છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ કરીને તેમણે ખળભળાટ મચાવી દીધો છે, જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે એમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. છેલ્લાં ૩ વર્ષમાં ઊર્જા વિભાગની ભરતીમાં મોટે પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કથિત ભરતી કૌભાંડનાં તપાસના આદેશ આપી દીધાં છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, કૌભાંડની જાણકારી મીડિયા દ્વારા મળી છે.
આરોપો બાદ પણ પરીક્ષા યથાવત રહેશે. હાલમાં આરોપોની તપાસ થશે. કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરાશે. બે દિવસની પરીક્ષા હજુ બાકી છે તે યથાવત રહેશે. ભૂતકાળમાં પણ ભરતી કૌભાંડમાં કડક કાર્યવાહી કરાઈ છે. રાજ્ય સરકાર પારદર્શકતામાં માને છે. પરીક્ષા પહેલાં અને પછીની વીડિયો ગ્રાફી થયેલી છે. ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે, જેનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ છે. GETCO ની ભરતીમાં એક જ ગામના ૧૮ પરીક્ષાર્થીને નિમણૂક આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. GETCO ની ભરતીમાં એક જ ગામના ૧૮ પરીક્ષાર્થીને નિમણૂક આપવી એ ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ અપાયા છે, જેમાં વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા (વડોદરા)ની સંડોવણી હોવાનું જણાવ્યું છે. એજન્સીના મળતિયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે, જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે.
યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓનાં નામ જણાવ્યાં હતાં, જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલનાં નામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય યુવરાજે GETCO ની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું હતું, જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનું જણાવ્યું હતું.