રાંધણ છઠ્ઠ અને શીતળાં સાતમ ની પૂજાવિધિ અને કથા

0
488

 રાંધણ છઠ્ઠ અને ગુરુવારે શીતળા સાતમ; આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્વ, પૂજાવિધિ અને કથા

17 ઓગસ્ટ બુધવાર ના રોજ રાંધણ છઠ્ઠ અને  18 ઓગસ્ટ ગુરુવારના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. છઠ્ઠના દિવસે ઘેર-ઘેર નિતનવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે.

રાંધણ છઠ્ઠ અને શીતળા માતાની કથા
લોકમાન્યતા મુજબ છઠ્ઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠ્ઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દે છે. ત્યારબાદ સાતમના દિવસે છઠ્ઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે. શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા-વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે. છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. છઠ્ઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી-બંધ કરી તેના પર કન્કોલા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડું દૂધ, જળ,ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજન કરવામાં આવે છે. પછી ફૂલહાર ચઢાવી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી નમસ્કાર કરવા. આ પૂજન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાન હોય પણ જો તે રોગગ્રસ્ત રહેતું હોય તો તેને ફાયદો મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત જરૂર કરવું જોઈએ.

કથા પ્રમાણે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સૂમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શ્રાપ આપ્યો: “જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો…”

બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું, આ જોઈને નાની વહું કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. તે ત્યાં ગઈ, તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ‘‘જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.’’ એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.

પૂજા કરવાની રીત
સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

વ્રત પાળવાના નિયમો

આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હળછઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here