રાજકોટ પોલીસના સકંજામાં રહેલા મુકેશ ટોળીયા અને અવેશ પીંજારા શહેરના યુનિવર્સીટી રોડ પર શિવ શક્તિ કોલોની વિસ્તારમાં ગર્ભ પરીક્ષણ કરાવતા હતા. સમગ્ર મામલે પર નજર કરીએ તો, રાજકોટના યુનિવર્સીટી રોડ પર આવેલ શિવશક્તિ કોલોનીમાં એક ભાડાના મકાનમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરવામાં આવતા આરોપીઓ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ગર્ભ પરીક્ષણ કરવાનું મશીન, જેલ સહિત કુલ ૨ લાખ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી પૈકી મુકેશ ટોળીયા એક વર્ષથી બીએચએમએસ ની ડિગ્રી ધરાવે છે. જયારે અવેશ પીંજારા કમ્પાઉન્ડર તરીકે ધોરાજી ખાતે હોસ્પિટલમાં નોકરી કર્યાનો અનુભવ ધરાવે છે. ગર્ભપરીક્ષણમાં મુખ્ય સુત્રધાર ડો. મુકેશ ટોળીયા હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા દોઢ મહિના થી યુનિવર્સીટી રોડ પર મકાન ભાડે રાખી ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું સામે આવ્યું છે. અને અત્યર સુધીમાં આ મકાનમાં ૫ જેટલા ગર્ભ પરીક્ષણ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગઇકાલે ગર્ભ પરીક્ષણમાં આરોપીઓએ મહિલા પાસેથી રૂપીયા ૧૦,૦૦૦ વસૂલ્યાનું સામે આવ્યું છે અને ગર્ભપાત માટે અન્ય જગ્યા પસંદ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેથી કેટલા ગર્ભપાત કર્યા એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, મેટોડા સ્થિત સંજીવની હોસ્પિટલની નર્સ દ્વારા સુરેન્દ્રનગરની મહિલાને ગર્ભપરીક્ષણ માટે ડો. મુકેશ ટોળીયાનો સંપર્ક કરાવ્યો હતો. અને ગર્ભપરીક્ષણ માટે આવેલ સુરેન્દ્રનગરની મહિલાને સંતાનમાં પાંચ દીકરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે ડોક્ટર, કમ્પાઉન્ડર, નર્સ અને પરીક્ષણ કરાવવા આવેલ મહિલાની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. હાલ આરોપીઓએ કોના અને કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા તેમજ ગર્ભપાત કર્યા છે તેને લઇને તપાસ શરૂ કરી છે.રાજકોટના શિવ શક્તિ કોલોનીમાં આવેલ ભાડાના મકાનમાં ગર્ભપરીક્ષણના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ડોક્ટર તેમજ કમ્પાઉન્ડર સહીત ૪ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ગર્ભપરીક્ષણ કરવાનું મશીન કબજે કરી તપાસ શરૂ કરી છે. સાથે જ ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલ મહિલાને સંતાનમાં ૫ દીકરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.