- પેરોલ ફ્લો ટીમે રાત દિવસ મહેનત કરી બાળકને શોધી કાઢ્યો
- બાળક અમદાવાદમાં અન્ય ફકીરો જોડે ભિક્ષા વૃત્તિ કરતો હતો
મહેસાણા જિલ્લાના લાઘણજમાં ચાલીસ દિવસ પહેલા ધોરણ 4માં અભ્યાસ કરતા અને ચાઈલ્ડ હેવન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન હોમ બોયસ સંસ્થામાં રહેતો બાળક એકાએક ગુમ થયો હતો. જેતે સમયે હોસ્ટેલના સંચાલકે બાળકના ગુમ થયાની ફરિયાદ લાઘણજ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ સમગ્ર મામલે મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાળકને શોધવા તપાસનો દોર શરૂ કર્યો હતો જ્યાં પોલીસને માહિતી મળી હતી કે, બાળક અમદાવાદમાં છે જેથી પોલીસે બાળકને પરત લાવવા માટે ટીમો દોડાવી હતી. પોલીસે ભિક્ષુકોની મદદથી બાળકને શોધી હોસ્ટેલમાં પરત લાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે બાળક મૂળ ઉનવાનો હોવાથી અગાઉ ફકીરોના સંપર્કમાં આવેલો હતો. જ્યાં બાળકને બાદમાં કોઈ સજ્જન વ્યક્તિએ લાઘણજ પાસે આવેલી બોયસ હોસ્ટેલમાં અભ્યાસ માટે મુક્યો હતો પરંતુ બાળક સ્કૂલે જવાના સમયે ત્યાંથી નીકળીને અમદાવાદ પહોંચી ગયો હતો. જ્યાં વટવા ખાતે રખડતો ભટકતો હતો. જેથી પોલીસે સમગ્ર મામલે શોધખોળ આદરી હતી. પોલીસે બાળકના ફોટો સાથે તપાસ શરૂ કરી હતી. પોલીસ ભિક્ષુકો અને ફકીરોની મદદથી બાળકને શોધતી શોધતી અમદાવાદ આવી હતી. મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાળકને શોધવા માટે એક મહિનાથી વધુ મહેનત કરી હતી. જ્યાં ટીમને બાતમી મળી કે, બાળક અમદાવાદમાં છે જેથી અમદાવાદ વટવા ખાતે બાળકને શોધવ વોચ રાખવામાં આવી હતી. જ્યાં બાળક મળી આવતા પોલીસને મોટી સફળતા મળતા બાળકને વટવા ખાતેથી લાવી હોસ્ટેલમાં પરત લાવવામાં આવ્યો હતો.