વડનગરના 2000 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરનું રૂ 4.22 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે જેમાં મંદિરના ગર્ભગૃહ, સભામંડપ, શિખર સહિતનું રિનોવેશન કરાશે. નવા લૂક સાથે મંદિર તૈયાર થશે. 12 જ્યોર્તિલિંગમાં પણ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનું સવિશેષ મહત્વ છે.અગાઉ રૂ.18 કરોડના ખર્ચે પહેલા ફેઝમાં રિનોવેશન કરાયું હતું, ત્યાર બાદ બીજા ફેઝ માટે સરકાર દ્વારા રૂ.4.22 કરોડની ફાળવણી કરાતાં નગરજનો અને ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. હાલમાં મંદિરના ગર્ભગૃહ, શિખર, સભાખંડ સહિતના રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત, અહીં યજ્ઞશાળા અને રિસેપ્શન સેન્ટર પણ બનાવવામાં આવશે. ખંડિત મૂર્તિઓનું રિનોવેશન કરી મંદિરમાં પુન: સ્થાપિત કરાશે. 2000 વર્ષ જૂના આ મંદિરને અગાઉના મૂળ રૂપમાં પુન: પ્રસ્થાપિત કરાશે.
પૂજા અને ગર્ભ-ગૃહના દર્શન બંધ
મંદિરના રિનોવેશનની કામગીરીને લઈ હાલ પૂજા તેમજ ગર્ભગૃહના દર્શન બંધ કરાયા છે. જે કામગીરી પૂરી થયે ફરી ચાલુ કરાશે. જોકે,આરતી રાબેતા મુજબ ચાલુ છે. ભક્તો હાલ પૂરતા બહારથી દર્શન કરી શકશે.
Source – divya bhaskar