કહીપુર ગામમાં પ્રવેશો એટલે રોડની બિલકુલ અડીને આવેલી પટેલ રઈબેન અંબારામ પ્રાથમિક શાળા નજરે પડે. ધો.૧થી ૮ની સુવિધાસજ્જ આ શાળાનો શ્રેય ગામના છોટાલાલ અંબારામને જાય છે. ૧ જૂન ૧૯૪૬ના દિવસે ખેડૂત પરિવારમાં જન્મેલા છોટાકાકા હાલ અમેરિકામાં રહે છે. તેમનો એક જીવનમંત્ર છે કે, સમાજ દ્વારા પ્રાપ્ત થયું છે, તે સમાજને પરત કરવું. છોટાકાકાના મનમાં એક સ્વપ્ન હતું કે મારા ગામના બાળકોને પણ શહેરની શાળા જેવી સુવિધા મળે અને તેમનું આ સ્વપ્ન સાકાર થયું ૨૦૨૦માં, સુવિધાસજ્જ વિશાળ શાળાસંકુલ બનાવીને. હાલ અહીં ૪૦૧ બાળકો અભ્યાસ કરે છે.
આ અંગે શાળાના પૂર્વ આચાર્ય અને હાલ શાળામાં શિક્ષક શૈલેશભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને સતિષભાઈ પટેલ કહે છે, અમે છોટાકાકા પાસે પ્રાર્થનાહોલ માટે રજૂઆત કરી હતી, પણ તેમણે તો આખી શાળા જ નવી બનાવી આપી. તેમના વ્યસ્ત સમયમાં પણ જ્યાં સુધી શાળા ન બની ત્યાં સુધી સવાર સાંજ કેટલે કામ પહોંચ્યું, કંઈ ખૂટે છે વગેરેની પૂછપરછ કરતા. બે વર્ષ અગાઉ બનેલી શાળાની જાળવણી થાય તે માટે શિક્ષકો બાળકોને સતત માર્ગદર્શન આપે છે કે જે દાતાએ આપણને શાળા બનાવી આપી તો આપણી ફરજ છે કે તેની જાળવણી કરીએ. સ્કૂલનું ખાતમુહૂર્ત પણ ગામની વિધવા બહેનોથી કરાવ્યું.
શાળાના શિક્ષક શૈલેશભાઇએ જણાવ્યું કે, જ્યારે અમારા ગામમાં નવી શાળા બનાવવાની વાત આવી ત્યારે છોટાકાકાને ખાતમુહૂર્ત માટે કહેવાયું, તો તેમણે કોઇ નેતા કે આગેવાનની જગ્યાએ ગામની વિધવા બહેનો દ્વારા ખાતમુહૂર્ત કરાવ્યું. જ્યારે સંકુલ ૧લી ફેબ્રુઆરી ૨૦૨૦માં તૈયાર થયું ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.વડનગર તાલુકાના કહીપુર ગામના વતની અને અમેરિકા સ્થિત એનઆરઆઇ છોટાલાલ અંબારામદાસ પટેલે ગામનું ઋણ ચુકવવા રૂ.૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ શાળા બનાવી આપી છે. ૧૮૯૩માં બનેલી ગામની શાળાના ઓરડા જર્જરિત હોઇ એક સમયે બાળકોએ શિક્ષકોને પ્રશ્ન કરેલો કે, સાહેબ આપણી શાળા કેમ આવી છે. તે સમયે આ પ્રશ્નનો જવાબ શિક્ષક તો ના આપી શક્યા. પણ વાત ગઈ ગામના છોટાકાકા પાસે અને તેમણે અદ્યતન શાળા બનાવી આપી.