આજે 18 એપ્રિલ હેરિટેજ એન્ડ ક્લાયમેન્ટ’ની થીમ પર વિશ્વ વારસા દિવસની ઉજવણી કરાઇ રહી છે. કોઈપણ સંસ્કૃતિ પ્રકૃતિ પર નિર્ભર છે. બદલાતા ફેરફારો વચ્ચે વડનગરને આ પરિપેક્ષમાં જોઈએ તો વડનગર એક એવું નગર છે, જે પાછલા 2500 વર્ષથી જીવંત છે. આ નગરનું જ્યારે નિર્માણ થયું ત્યારથી આજ સુધી લોકો અહીં વસવાટ કરતા આવ્યા છે. સમયની સાથે આમાં ફેરફારો થયા છે. નવા લોકો આવ્યા, નવી સંસ્કૃતિ આવી છતાં લોકો વડનગરને છોડી જતા રહ્યા નથી. એનું કારણ વડનગરની જળસંચય વ્યવસ્થા છે.હાલમાં નગરમાં આવેલા મોટા તળાવો એની સાક્ષી પૂરી રહ્યા છે. અહીં વસતા લોકોએ પાણીનું મહત્વ સમજ્યું અને જળસંગ્રહની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી હતી.
અહીં વસવાટ કરતા લોકોએ વરસાદના વહી જતા પાણીના સંગ્રહ માટે જળ સંસ્થાપન વ્યવસ્થા બનાવી હતી. નગરમાં મોટા-મોટા તળાવોનું નિર્માણ કરી પાણીસંગ્રહ કર્યું હતું. પાણી જ જીવનનો મહત્વનો ભાગ છે. એ માટે પૂર્વજોએ વોટર કન્જર્વેશન મેનેજમેન્ટ બનાવ્યું હતું. શર્મિષ્ઠા તળાવ, વિષ્ણુપુરી તળાવ, દાઈ તળાવ, અમઢુ તળાવ, અંબાજીકોઠા તળાવ સહિતના તળાવો તેની સાક્ષી છે.
ભારતમાં બહુ જ ઓછા જીવંત શહેરો છે..
ભારતીય પુરાતન વિભાગના સૂત્રો મુજબ, ભારતમાં બહુ જ ઓછા શહેરો છે જે જીવંત એટલે કે અવિરત કહી શકાય. જેમાં ઉજ્જૈન, બનારસ, કન્જાવર, મદુરાઈ ગણી શકાય. જોકે, આ ચારેય શહેરો ધાર્મિક છે. પરંતુ વડનગર એ ધાર્મિક શહેર નથી. છતાં પણ અહીં લોકો ટકી રહ્યા હતા. તેની પાછળનું કારણ જળ સંસ્થાપન મહત્વનો ભાગ છે. આજે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં પાણીના પોકારો થઈ રહ્યા છે, ત્યારે પૂર્વજોએ બનાવેલી જળસંગ્રહની વ્યવસ્થા દાદ માગી લે તેવી છે.
વડનગર આજુબાજુ 10 કિમીના એરિયામાં 52 તળાવો છે
ભારતીય પુરાતન વિભાગે કરેલા સંશોધન મુજબ વડનગરની આજુબાજુ 10 કિમીના એરિયામાં 52 નાનાં-મોટાં તળાવો આવેલાં છે. કદાચ એક વર્ષ સુધી વરસાદ ન થાય તો પણ આ લોકોને પાણીની તંગી ન પડે. પાણી સંગ્રહથી પાણીનું સ્તર જળવાઈ રહેતું. આ પરિપેક્ષમાં વડનગરનું આગવું મહત્વ રહેલું છે.
Source – divya bhaskar