વડાપ્રધાન બનાસકાંઠાનું વિભાજન કરી અલગથી જિલ્લો કરે તેવી લોકોની માંગણી

દિયોદર, વાવ, થરાદ, ભાભર, કાંકરેજ અને સૂઇગામનો સમાવેશ કરી શકાય

0
1289

અલગ જિલ્લો બનાવવા અગ્રણીઓઓ પણ તૈયાર

સણાદર ગામે આજે બનાસડેરીના બીજા પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. બનાસડેરીના આ બીજાપ્લાન્ટથી પશ્વિમના વિસ્તારમાં શ્વેતક્રાંતિ તો આવશે જેની સાથે બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી દિયોદરને અલગ જીલ્લો બનાવવામાં આવે તેવી પણ અહીંયાની પ્રજામાં આશા જન્મી છે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ આ ડેરીની સ્થાપના કરી બનાસકાઠા જિલ્લાને બે ભાગમાં વહેંચી છે. છ તાલુકા દિયોદર, વાવ, થરાદ, ભાભર, કાંકરેજ અને સૂઇગામનો સમાવેશ કરી અલગથી જિલ્લો બનાવવાનો પાયો નાંખ્યો હોય તેવું અત્યારે તો ચોક્કસ પણે જણાઇ રહ્યું છે. ત્યારે આજે વડાપ્રધાન અને ઉત્તર ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદી શુ સણાદર ગામેથી આ દિશામાં કોઇ મોટી જાહેરાત કરશે ? તેવી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઇ અલગથી નવો જિલ્લો બનવાની રાહ જોઇને બેેઠેલા પશ્વિમ વિસ્તારના પ્રજાજનોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે.

લોકોની માંગ હોય તો અલગથી જિલ્લો કરવો જોઇએ
બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી અલગથી જીલ્લો બનાવવા માટે લોકોની માંગણી હોય તો કરવો જોઇએ. જોકે, આ બધી વહિવટીતંત્રની પ્રક્રિયા છે. : ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય કોંગ્રેસ, વાવ)

અલગ જીલ્લો થવો જોઇએ, જીલ્લા મથક થરાદ હોવું જોઇએ
બનાસકાંઠાનું વિભાજન કરી અલગથી જિલ્લો કરવો જોઇએ. જેમાં થરાદ, વાવ, સૂઇગામ, લાખણી, દિયોદર, કાંકરેજનો સમાવેશ કરવો જોઇએ, થરાદને જીલ્લાનું મુખ્ય મથક બનાવવું જોઇએ જેથી કરી સ્થાનિક સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે.: ગુલાબસિંહ રાજપૂત (ધારાસભ્ય કોંગ્રેસ, થરાદ)

અલગ જીલ્લા માટે અગાઉ રજૂઆત કરેલી છે
બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી અલગથી જીલ્લો બનાવવા માટે અગાઉ પશ્વિમ વિસ્તારની તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો તેમજ મારા દ્વારા પણ સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. મને આશા છે કે, જીલ્લાનું વિભાજન થઇ અવશ્ય નવો જીલ્લો બનશે. જેનાથી પશ્વિમ વિસ્તારનો વિકાસ થશે.: પરબતભાઇ પટેલ (સાંસદ બનાસકાંઠા)

નવો જિલ્લો બને તો સારૂ
બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી નવો જીલ્લો બનાવવાનો નિર્ણય લેવામાં આવે તે સારી બાબત છે. નવો જીલ્લો થવો જોઇએ.: કિર્તિસિંહ વાઘેલા ( શિક્ષણમંત્રી અને ધારાસભ્ય, દિયોદર)

નવો જિલ્લો બને તેમાં ધારાસભ્યો રાજી
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જીલ્લો બનાવવામાં આવે તે અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ધારાસભ્યોની પૃચ્છા કરતાં થરાદ, વાવ, કાંકરેજ તેમણે હકારાત્મક મંતવ્યો આપ્યા આપ્યા હતા. નવો જિલ્લો બને તો પશ્વિમ વિસ્તારનો વિકાસ થાય તેમ જણાવ્યું હતુ.

નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા શુ છે
આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, નવો જીલ્લો બનાવવો એ સરકારની નિતિ વિષયક બાબત છે. સરકાર નિર્ણય કરે તો પછી નવા જિલ્લાનો વિસ્તાર, વસ્તી, ગામડા, નકશાનું ડિમારકેશન સહિતના ચેકલીસ્ટની દરખાસ્ત કરવામાં આવે છે. જે પછી સરકાર દ્વારા આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે.

પશ્વિમ વિસ્તારમાં અંદાજીત 10 લાખની વસ્તી
બનાસકાંઠા જિલ્લો વર્તમાન સમયે 12,703 સ્કવેર કિલોમીટરમાં પ્રસરેલો છે. જિલ્લાના 14 તાલુકામાં 1251 ગામડા આવેલા છે. જ્યાં કુલ વસ્તી 31.2 લાખ વસવાટ કરે છે. જો પશ્વિમ વિસ્તારની વસ્તી જોઇએ તો છ તાલુકામાં અંદાજીત 10 લાખ ગણી શકાય તેમ જીલ્લા પંચાયત કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ.

લોકોની સરકાર છે. લોકોની લાગણી છે તો ભવિષ્યમાં ચોક્કસ નવો જીલ્લો બનશે
નરેન્દ્રભાઇ મોદી આજે તો માત્ર બનાસડેરીના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા માટે આવી રહ્યા છે. જોકે, લોકોની નવો જીલ્લો બનાવવાની લાગણી હશે તો ભાજપ સરકાર લોકોની સરકાર છે. લોકોની લાગણી સમજી ભવિષ્યમાં અવશ્ય નવો જીલ્લો બનાવશે.દિનેશભાઇ અનાવાડીયા (રાજ્યસભાના સભ્ય)

દિયોદર જિલ્લો બનતો હોય તો જાણે મોસાળમાં મા પીરસનાર
વડાપ્રધાન દિયોદર પંથકને નવો જીલ્લો બનાવતા હોય તો અમે એમની સાથે સહમત છીએ.મોસાળમાં જમણવાર હોય અને માં પિરસતી હોય એવું લાગશે. પાલનપુરના 75 કિલોમીટરના ધક્કા મટી જશે. ઘર આંગણે સરકારી તંત્ર મળી રહે તો પ્રજાજનોના પ્રશ્નોનો ઉકેલ સરળતાથી આવી શકશે. : શિવાભાઇ ભૂરિયા (ધારાસભ્ય કોંગ્રેસ, દિયોદર)

શા માટે બનાસકાંઠાનું વિભાજન કરવું જોઈએ

  • પશ્ચિમ વિસ્તારના છ તાલુકા દિયોદર, વાવ, થરાદ, ભાભર, કાંકરેજ અને સૂઈગામનો સમાવેશ કરી અલગથી જિલ્લો બનાવાય તો આ વિસ્તારનો વિકાસ થાય
  • રાજકીય રીતે પણ પશ્ચિમ વિસ્તાર પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. જો અલગથી જિલ્લો થાય તો વિકાસના કામો કરી ભાજપ સરકાર પ્રજાના માનસમાં પ્રવેશી શકે.
  • પશ્ચિમ વિસ્તારમાં ઉદ્યોગ ધંધા ના અભાવે મોટાભાગના પ્રજાજનો ખેત મજૂરી- ધંધાર્થે પૂર્વ વિસ્તારમાં આવી રહ્યા છે. જ્યાં ઉદ્યોગ ધંધા સ્થપાય તો લોકોની મુશ્કેલીઓનો અંત આવે તેમ છે.
  • વર્તમાન જિલ્લા મથક પાલનપુર ખાતે છે. જ્યાં કચેરીઓના કામકાજ અર્થે દોઢસોથી બસ્સો કિલો મીટર દૂરથી સમય અને નાણાનો વ્યય કરીને પ્રજાજનોને આવવું પડે છે. પશ્ચિમ વિસ્તારને નવો જિલ્લો બનાવાય તો લોકોને રાહત થાય.

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here