ટ્ર્ક ઉભેલી કારમાં ધડાકાભેર ભટકાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો.
- કારમાં ફસાયેલા બેને કારનું પતરુ ગેસ કટરથી કાપી બહાર કાઢ્યા
- અકસ્માતના કારણે લગભગ એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો
વડોદરા શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 8 ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે ઉપર ક્રોસ કરી રહેલી ભેસોના કારણે કાર ઉભી હતી. તે સમયે પાછળથી આવેલ ટ્રક કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે કાર ચાલ અને જી.એન.એફ.સી.ના બે અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, કારમાં ફસાયેલા બેને કારનું પતરુ ગેસ કટરથી કાપીને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપર વડોદરાથી ભરૂચ તરફ હાઈવે ઉપર પાંચ કિલોમીટર વાહનોની કતાર લાગી હતી. લગભગ એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.
કારમાં ફસાયેલાને પતરાં કાપી બહાર કઢાયા.
બે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા
મળેલી માહિતી મુજબ અમદાવાદથી નિમેશભાઇ પાટણવાડીયા ભરુચ જી.એન.એફ.સી.ના બે અધિકારીઓને કારમાં અમદાવાદથી ભરૂચ જી.એન.એફ.સી.માં લઈને જઇ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે ભેસો રોડ ક્રોસ કરી રહી હતી. આથી કાર ચાલકે પોતાની કાર ઉભી કરી દીધી હતી. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલા ટ્ર્ક ઉભેલી કારમાં ધડાકાભેર ભટકાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, કાર ચાલક અને કારમાં સવાર બે અધિકારીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, કાર ચાલક અને એક અધિકારીને વડોદરા પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમે કારનું પતરુ ગેસ કટરથી કાપી બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં રવાના કર્યા હતા.
હાઈવે પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો.
પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઇ
સમી સાંજે બનેલા આ બનાવને પગલે અમદાવાદવાદથી વડોદરા સુધી પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઇ હતી. લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. અકસ્માતમાં કારને થયેલા નુકશાનને જોતા લાગે છે કે, આ ઘટના કેટલી ગોઝારી હતી. આ ઘટનામાં ઇજા પામેલ કાર ચાલક નિમેશભાઇના બનેવી રમેશભાઇ ઠાકોરને થતાં તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારા જમાઇ નિમેશભાઇ પાટણવાડીયા ભરૂચ જી.એન.એફ.સી.ના બે અધિકારીઓને લઈને અમદાવાદ ગયા હતા. અને અમદાવાદથી પરત ફરતાં અકસ્માત સર્જાયો છે. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.