- 11થી 20ની વયના 160 દર્દી હાલ સારવાર હેઠળ છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 398 કેસ નોંધાયા છે. આ કેસ શહેરના જેતલપુર, બાજવા, વારસીયા, દિવાલીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલુપર, બાપોદ અને વાઘોડિયામાં નોંધાયા હતા. જ્યારે વધુ 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
સૌથી ઓછા 16 એક્ટિવ દર્દી 81 થી 90 વર્ષની ઉંમરના
વડોદરા શહેરમાં હાલમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1353 થઇ છે. એક્ટિવ દર્દીઓમાં સૌથી વધુ 599 દર્દી 21થી 40ની વય જૂથના છે. જ્યારે સૌથી ઓછા 16 એક્ટિવ દર્દી 81 થી 90 વર્ષની ઉંમરના નોંધાયા છે. રવિવારે પાલિકા દ્વારા અત્યાર સુધીના સૌથી વધુ 10,044 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 398 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે સાથે કુલ સંક્રમિતોનો આંકડો 74,399 પર પહોંચ્યો છે. જેમાં 1199 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 154 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમજ 1867 લોકો હોમ ક્વોરન્ટીન છે.
કોરોનાના 44 ટકા દર્દી 21થી 40ની વય જૂથના છે
અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધુ વયના લોકોની છે, જ્યારે વડોદરામાં તેથી ઊલટું છે. શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 44 ટકા દર્દી 21થી 40ની વય જૂથના છે, જેનો આંકડો 599 છે. આશ્ચર્યની વાત એ છે કે, 61 થી 90 ની ઉંમરના દર્દીઓની સંખ્યા માત્ર 103 છે. આ સિવાય બાળકોમાં પણ એક્ટિવ દર્દીઓનો રેટ ઓછો જોવા મળી રહ્યો છે.
11થી 20ની વયના 160 દર્દી હાલ સારવાર હેઠળ છે
જેમાં 10 વર્ષ સુધીનાં 41 બાળકો અને 11થી 20ની વયના 160 દર્દી હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ રવિવારે 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ચોથી સદી નજીક પહોંચેલા સંક્રમણના આંકડાને પગલે કુલ એક્ટિવ દર્દીઓ 1,353 થયા છે. જે પૈકી 1199 હોમ આઇસોલેશનમાં, જ્યારે 154 દર્દીઓને દાખલ કરાયા છે. જેમાં 5 દર્દીઓને વેન્ટિલેટર પર, 14 દર્દીઓને આઈસીયુમાં અને 135 દર્દીઓને ઓક્સિજન પર રખાયા છે. હાલમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા 1,867 છે.
પાલિકાની સભા શાખાનો કર્મચારી પણ સંક્રમિત
રવિવારે પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી સયાજીના રૂકમણી ચૈનાનીમાં 5 માસનો ગર્ભ ધરાવતી મહિલા કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લક્ષ્મીપુરા પોલીસ મથકનો પીસીઆર વાનનો કર્મચારી અને નંદેસરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તદુપરાંત પાલિકાની સભા શાખાનો કર્મચારી પણ સંક્રમિત થયો છે.
પૂર્વ વિસ્તારમાં સૌથી ઓછા 168, પશ્ચિમમાં સૌથી વધુ 555 કેસ
છેલ્લા 38 દિવસ દરમિયાન શહેરના ચાર ઝોન પૈકી પૂર્વ વિસ્તારમાં સૌથી ઓછા 168 કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 555 કેસ સામે આવ્યા છે. બીજી તરફ છેલ્લા 8 દિવસ દરમિયાન ચારેય ઝોનમાંથી 968 કેસ પૈકી 115 કેસ વડોદરાની આસપાસના ગામડાઓનાં હતાં. જ્યારે શહેરમાં પૂર્વ બાદ દક્ષિણ વિસ્તારમાં સૌથી ઓછા 207 કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે.
રવિવારે શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં રવિવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 81, પશ્ચિમ ઝોનમાં 97, ઉત્તર ઝોનમાં 85 અને દક્ષિણ ઝોનમાં 84 કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે 51 કેસ નોંધાયા છે.