વર્તમાન સમયમાં લંપી નામનો વાયરસ પ્રસરી રહ્યો હોઈ ગૌવંશ ચેપગ્રસ્ત થવાને કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યાં છે, જોકે ગૌમાતા પર આવેલા આવા કપરા સમયમાં ગૌસેવા એજ મહા સેવાના ઉદ્દેશ્યથી સેવાભાવી સંસ્થાઓ તેમજ લોકો તન- મન- ધનથી સેવા કાર્ય બજાવી રહ્યાં હોઈ લંપી વાયરસથી મોતને ભેટતા ગૌવંશની સાવચેતીના પગલાં લેવા તંત્ર સજાગ છે કે પછી ઘોર નિંદ્રામાં એવા અનેક સવાલો લોકમુખે ચર્ચાસ્પદ બન્યા છે ત્યારે લંપી વાયરસના પગપેસારાથી વાવ તાલુકાના માડકા ગામે આવેલ ગૌશાળા અને રખડતા ગૌવંશની હાલત કફોડી બનતા સેવાભાવી લોકો સક્રિય ભૂમિકા ભજવી ગૌમાતાને બચાવવા રસીકરણ તેમજ દવાના લાડું ખવરાવવા તથા મૃત પામતા ગૌવંશની દફનવિધિ કરી સેવામાં સહભાગી થઈ રહ્યાં છે. જોકે લંપી વાયરસની સ્થિતિ અંગે માડકા ગામના સેવાભાવી મનુભાઈ મહેતાએ જણાવ્યું હતું કે લંપી વાયરસના કારણે ગામની ગૌશાળા અને રખડતા ગૌવંશમાં અત્યાર સુધીમાં ગૌમાતા અને નંદી એમ મળી કુલ ૬૩ ગૌવંશ મૃત પામ્યા હોઈ મૃત પામેલ ગૌવંશથી ગંદકી ન ફેલાય તે હેતુથી તેમની વિધિવત રીતે દફન કરવામાં આવે છે, તેમજ બનાસ ડેરી તરફથી અમને પૂરેપૂરો સહયોગ મળવાને કારણે સેવાભાવી લોકો દ્વારા ગૌમાતાને લંપી વાયરસથી બચાવવા થતાં તમામ પ્રયત્નો થકી સેવા આપી રહ્યાં છે. વધુમાં જણાવ્યુ હતું કે ગૌવંશની કફોડી હાલતમાં હોવા છતાં તંત્ર હજું સુધી ફરક્યું પણ નથી તેમ જણાવ્યું હતું.
અહેવાલ : મયારામ આચાર્ય, વાવ.