મહેસાણા-પાલનપુર હાઇવે પર વાહનની 100થી વધુ, વિજાપુર રોડ ઉપર 80થી વધુ ગતિ હશે તો સ્થળ ઉપર જ મેમો મળી શકે
હાઈવેની નિયત મર્યાદા કરતાં વધુ ગતિથી ચલાવતા ચાલકોને કાબૂમાં રાખવા આધુનિક વાન વિકસાવી
મહેસાણાથી નંદાસણ અને મહેસાણાથી બ્રાહ્મણવાડા સુધીના હાઈવે પર 100થી વધુની ગતિથી તેમજ મહેસાણાથી વિજાપુર હાઈવે ઉપર 80થી વધુની ગતિથી વાહન ચલાવતા ચાલકો ચેતી જાજો. કોઈપણ જગ્યાએ ઉભેલી પોલીસની ઈન્ટરસેપ્ટર વાન એક કિલોમીટર દૂરથી તમારા વાહનની ગતિ કેમેરામાં ઝડપી સ્થળ ઉપર જ ઈ-મેમો પકડાવી શકે છે.
નિયત કરેલી મર્યાદા કરતાં વધુ ગતિથી ચાલતાં વાહનોને અંકુશમાં લેવા અને અકસ્માત ઘટાડવા મહેસાણા પોલીસ દ્વારા હાઈવે ઉપર ઈન્ટરસેપ્ટર વાન વિકસાવાઈ છે. આધુનિક લેસર સ્પીડગન, પીટીઝેડ કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથેની વાનમાં 1 ડ્રાઈવર અને 2 હેડ કોન્સ્ટેબલ રખાયા છે.
વાનને હાઈવે ઉપર કોઈપણ જગ્યાએ ઉભી રાખી ઓવરસ્પીડે ચલાવતા, સીટબેલ્ટ નહીં પહેરેલા, ફેન્સી નંબર પ્લેટવાળા, હેલ્મેટ નહીં પહેરેલા, રોંગ સાઈડમાં ચાલતા અને લેનલાઈનનો ભંગ કરતાં વાહન ચાલકોને પકડીને દંડ કરાય છે. વાનમાં ગોઠવેલા લેસર ટ્રેકરથી એક કિ.મી. દૂર નિયત કરેલી મર્યાદા કરતાં વધુ ગતિના વાહનનો ફોટો પાડી કલરપ્રિન્ટ સાથેનો ઈ-મેમો નીકળે છે.