મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્રની નબળી કામગીરીના કારણે સ્ટેટ વિજિલન્સના દરોડા વધતા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે આકરો ર્નિણય લઇ વડનગર પોલીસ મથકનો આખો ડી સ્ટાફ સસ્પેન્ડ કર્યો છે. ત્યારે કડી તાલુકા પોલીસ મથકમાં પણ ડી સ્ટાફને બદલી નાખવા પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ કરતા તેમણે તાકીદે પીએસઆઈ સહિતના ૮ કર્મચારીઓની બદલી કરી નાખી છે. વડનગરમાં ૧૩ ફેબ્રુઆરીએ વિજિલન્સની ટીમે રૂ. ૫૬ હજારનો વિદેશી દારૂ પકડ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે જમાદાર ભરતભાઇ સેધાભાઈ, કોન્સ્ટેબલ રમેશ પ્રહલાદભાઈ અને કુલદીપસિંહ વિજયસિંહને સસ્પેન્ડ કરી નાખ્યા હતા.
હાલમાં ડી સ્ટાફમાં નવા કોઈ કર્મચારીની નિમણૂંક કરવામાં આવી નથી. બીજી બાજુ કડી પીઆઇ ડી.બી. ગોસ્વામીને આખો ડી સ્ટાફ બદલી નાખવા હુકમ કર્યો હતો. જ્યાં મળતી માહિતી પ્રમાણે કડી પોલીસ સ્ટેશનમાં જુના ફોજદારને બદલી તેના સ્થાને મહેસાણા એ ડિવિઝનથી બદલી પામીને આવેલા જે.એલ.બોરીચાને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત ડી સ્ટાફના સાત કર્મચારીઓની પણ બદલી કરી નાખવામાં આવી છે..