વિસનગરના વાલમ ગામે નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે થયેલી બબાલમાં એક વૃદ્ધએ કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.જાેકે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ વૃદ્ધએ પાંચ ઈસમો સામે નામજાેગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વધુ હકીકતમાં,વિસનગરના વાલમ સરદાર ચોક પાસે રહેતા ૬૬ વર્ષીય નિવૃત શિક્ષકના ઘરના મુખ્ય દરવાજા પાસે પાડોશમાં રહેતા ભાનુભાઈ પાણીનો હોજ બનાવી રહ્યા હતા. એ દરમિયાન ફરિયાદી શિક્ષકે હોજ બનાવવાની ના પાડતા બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.બાદમાં ફરિયાદી શિક્ષકના ઘરની બાજુમાં રહેતા ભાનુ પટેલ, દિપક પટેલ, હેમા પટેલ અને સુજલ પટેલ આ ચાર ઈસમો અને બીજા અન્ય શખ્સો વૃદ્ધના ઘરે આવી ગાળાગાળી કરી હતી. બાદમાં વૃદ્ધને ગરદાપાટુ નો માર માર્યો હતો અને કહેવા લાગેલા કે, તું ગામ છોડીને જતો રહે નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશુ. અમે ચૂંટાયેલા સરપંચના માણસો છીએ તું અમારું કઇ નહીં બગાડી શકે. એમ કહી વૃદ્ધને માર માર્યો હતો.
આમ,નજીવી બાબતે વૃદ્ધ પર હુમલો કરનાર ઈસમો અવાર નવાર હેરાનગતિ કરતા હોવાથી વૃદ્ધને લાગી આવતાં વૃદ્ધએ કંટાળીને ઉધઈની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ ભાનમાં આવ્યા બાદ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ભાનું પટેલ, સુજલ પટેલ, દિપક પટેલ, હેમા પટેલ અને હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.