પશુઓમાં લમ્પી રોગનું પ્રમાણ છેલ્લાકેટલાક સમયથી વધવા પામ્યું છે અને તેના કારણે દૂધનું ઉત્પાદન ઘટી રહ્યું છે.પણ દરેક મનુષ્યના મનમાં એક સવાલ તો ચોક્કસ થાય કે જે પશુને લમ્પી વાયરસનો રોગ હોય તેનું દૂધ આપણે પીએ તો આપણને શું થાય ? આ સવાલના જવાબ આપણે વિવિધ નિષ્ણાતોએ આપેલી માહિતી પરથી મેળવીએ.
નિષ્ણાતોના મત
આણંદની કામધેનૂ યુનિવર્સિટીના વેટરનરી માઈક્રોબાયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રફીયુદ્દીન માથકિયાએ જણાવ્યાપ્રમાણે તેમણે લમ્પી વાયરસનો અભ્યાસ કર્યો. પણ આજ સુધી એવી કોઈ વાત ધ્યાનમાં નથી આવી કે વાયરસ ગ્રસ્ત પશુનું દૂધ પીવાથી માણસને કોઈ અસર થઈ હોય. તેમજ હજુ સુધી ભારતમાં કે ગુજરાતમાં કોઈ એવો કેસ સામે આવ્યો નથી. ડો. રફીયુદ્દીન માથકિયાએ કહ્યું કે, આપણે દૂધ લાવીએ છીએ કે આપણે ત્યાં દૂધ આવે છે તે બે રીતે આવે છે. એક પ્લાસ્ટિકના પાઉચમાં પેક્ડ અને બીજું ડેરીમાંથી છુટક દૂધ.પાઉચમાં જે દૂધ આવે છે તે પેશ્ચુરાઈઝ કરાયેલું હોય છે. એટલે તેમાં સંપૂર્ણપણે જીવાણુઓનો નાશ થઈ ગયો હોય છે. જ્યારે છુટક ડેરીમાંથી જે દૂધ આવે છે તે ફરજિયાત ગરમ કરીને જ પીવું જોઈએ. દૂધ ગરમ કરો એટલે તેમાં રહેલા જીવાણુંઓનો નાશ થઈ જાય છે.
લમ્પી રોગ નવો નથી
ભારતમાં 19 નવેમ્બર 2019માં પહેલો કેસ ઓરિસ્સામાં સામે આવ્યો હતો અને પછી ધીમેધીમે બીજા રાજ્યોમાં પ્રસર્યો. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો હતો અને સંખ્યાબંધ પશુઓ અસરગ્રસ્ત થયા હતા, પણ એ વખતે કોઈ માણસમાં પશુનું દૂધ પીવાથી કોઈ અસર થઈ હોય તેવું નોંધાયું નથી. એટલે રોગ ગ્રસ્ત પશુનું દૂધ પીવામાં આવી જાય તો પણ માણસને અસર થતી નથી એવું મહારાષ્ટ્રના ઉદાહરણ પરથી સમજી શકાય છે.
બહારના મિલ્ક શેઈક હાનિકારક
સામાન્ય રીતે બહારના ઠંડાપીણાંમાં કાચું દૂધ વધારે વપરાય છે અને આ જ દૂધનો મિલ્ક શેઈક બને છે. માટે કાચું દૂધ પીવાનું ટાળો અને બહાર મિલ્ક શેઈક પીવાનું પણ ટાળો. ઘરમાં જે દૂધ આવે છે તેને ગરમ કરવાનું રાખો. અને લમ્પી વાયરસથી સુરક્ષિતરહો.