સુરેન્દ્રનગરનો ૩૨ વર્ષીય શખ્સ પોતાના શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડ્યો,બુલેટ બાઈકની કરતો ચોરી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી વિસ્તારમાંથી ચોરીના બુલેટ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સે અગાઉ પણ ૩ જેટલા બુલેટ અમદાવાદ ખાતેથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
મહેસાણા એલ.સી.બી ની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી એ દરમિયાન બલાસર કેનાલ તરફથી એક ઈસમ બુલેટ લઈને આવી રહ્યો હતો. પોલીસે યુવકને રોકી બાઈકના જરૂરી ડોક્યુમેન્ટ માંગતા યુવક યોગ્ય જવાબ આપી ના શકતાં કડકાઈથી પૂછપરછ કર્યા બાદ શખ્સે બુલેટ ચોરીનું હોવાની કબૂલાત કરી હતી.
મહેસાણા એલ.સી.બી પોલીસે ઝડપેલોે બુલેટ ચોર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો છે. જેનું નામ અશોક ઠાકોર જાણવા મળ્યું હતું અને પોતાના વૈભવી શોખ પુરા કરવા અને મોંઘાઘટ બાઇકો પર ફરવા માટે અમદાવાદના એસજી હાઇવે જેવા પોસ વિસ્તારમાં ત્રણ જેટલા બુલેટ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી તેમજ બાઈક ચોરે ૨૦૧૯ ની સાલમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેટીએમ બાઈક પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુલેટ ચોર ઈસમને ઝડપી ત્રણ બુલેટ બાઈક કબ્જે કર્યા છે અને વધુ તપાસ માટે કડી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.