વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી ઠેર ઠેર કરાઈ રહી છે ત્યારે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાતી ગીતની રમઝટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા ગુજરાતીનું મહત્ત્વ સમજે, ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃત થાય એવા ઉદ્દેશ્યથી પ્રસ્તુત કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.રતિલાલ કા.રોહિતે ગુજરાતી ભાષાના ઉદ્ભવ, ગુજરાતી ભાષાના મહત્ત્વ અને વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી અંગેના કારણોની રજૂઆત કરી હતી. ગુજરાતી ગીતની રમઝટ શીર્ષકવાળા આ કાર્યક્રમમાં બીએ/બીકોમના કુલ ૧૨ વિદ્યાર્થીઓએ મારા હૈયાનો હાર, મારી ઝૂંપડીએ, કાળજાનો કટકો, ઊંચા ગઢને ગિરનાર, સાયબો રે ગોવાળિયો, તારી ધૂન લાગી જેવા ગીત-લોકગીત સુમધુર સ્વરમાં રજૂ કર્યા હતા, જેમાં બે વિદ્યાર્થીઓએ માતૃભાષાના મહત્વ વિશે ટૂંકું વક્તવ્ય પણ આપ્યું હતું, આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડૉ. અશોકભાઈ વાઘેલાએ નર-નારી બંને સ્વરમાં સાંવરિયો રે મારો સાંવરિયો ગીત એમના મધુર કંઠમાં રજૂ કર્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ પ્રા.ભાવિક ચાવડાએ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડૉ. રતિલાલ કા.રોહિતે કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને ઉત્સાહ અને સફળતાપૂર્વક યોજાયો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ