પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાતિની બપોરે દિપડો જોવા મળ્યો હતો. જેને લઈને પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આ બાબતની જાણ પાટણ જિલ્લા વન વિભાગ કચેરીના અધિકારીને થતા વન વિભાગની ટીમ સરીયદ ગામમાં પહોંચી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.
વન વિભાગની કચેરીની સાથે-સાથે ચાણસ્મા-હારિજ સહિતની વન વિભાગની ટીમ પણ દીપડાને પકડવા માટે કામે લગાડવામાં આવી છે. દિપડાને ઝડપવા મારણ મુકી પાંજરૂ મૂકવામાં આવ્યું હોવાનું પાટણ જિલ્લા વન વિભાગ અધિકારી બી.એમ.પટેલ જણાવ્યું હતું. દીપડા દ્વારા હજી સુધી કોઈને જાનહાનિ પહોંચાડવામાં આવી ન હોવાનું પણ અધીકારીએ જણાવ્યું હતું. દિપડાને ઝડપી લેવા માટેના તમામ પ્રયત્નો વન વિભાગ કચેરી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.