સિદ્ધપુરની કમલ ટ્રેડિંગ કંપનીમાંથી ગત ૧ તારીખે રાત્રીએ રાણી તેલના ૨૬ મોટા ડબ્બા, ૫ લીટરના નાના કાર્ટૂન નંગ-૬ સહિત રોકડ ૧૫ હજારની ચોરી થઈ આ અંગે સિદ્ધપુર પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે પોલીસે મુદ્દામાલ સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બે રીક્ષા, મોબાઈલો સહિત ત્રણ આરોપીઓને પકડી પાડયા છે. સિદ્ધપુર ઈ.પીઆઇ પી.એસ.ગોસ્વામી અને પોલીસના માણસોએ બાતમી હકીકતના આધારે ટીમ બનાવી વોચ ગોઠવી હતી. આ દરમિયાન આ ચોરીના મુખ્ય આરોપી મલિક અલ્તાફ ઉર્ફે ડુવો યુનુસભાઇ મુરાદભાઈ, રહે.તાહેરપુરા બિલાલ મસ્જિદ પાસે વાળાની સઘન પૂછપરછ કરતા તેણે અન્ય બે સાથીદારો ફકીર અલ્હાજ કાદરશા ગુલાબ શાહ રહે.સિધ્ધપુર વ્હોરા ઓના કબ્રસ્તાનમાં તેમજ પિંઢારા સાહિલ ઉર્ફે ડોન હસનભાઈ રહે.સિદ્ધપુર તાહેરપુરા બિલાલ મસ્જિદની પાછળ વાળાઓએ મળી ઉપરોક્ત ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું.
આ ચોરીનો માલ બજારભાવ કરતા સસ્તા ભાવે વેચેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી કેટલાક ગ્રાહકોએ આ સસ્તા માલની ખરીદી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી હોવાનું તેમજ આવો માલ જેમણે ખરીદ્યો છે તેમના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. સિદ્ધપુર પોલીસે આરોપીઓ પાસેથી રાની કપાસીયા તેલ ડબ્બા ૧૮, મોટા ડબ્બા તેમજ રાણી સિંગતેલના ૫ લીટરના ડબ્બા નંગ-૬ ઉપરાંત ગુનાના કામે વપરાશમાં લીધેલી બે રીક્ષા કિંમત ૬૦,૦૦૦ તેમજ ૩ મોબાઈલ કિંમત ૧૫૦૦ સહિત કુલ ૧,૦૫,૭૫૯નો મુદ્દામાલ રિકવર કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.સિદ્ધપુરના જુના ગંજ બજારમાં આવેલી કમલ ટ્રેડિંગ કંપનીમાં ગત પેલી તારીખે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.