- સુઘડ નર્મદા કેનાલમાં મહિલા પડી હોવાની જાણ થતાં ફાયરની ટીમ કેનાલ પર દોડી ગઈ
- મહિલાને સારવાર અર્થે હોસ્પિચલ ખસેડાઈ, પૂછતાછ પછી આત્મહત્યાના પ્રયાસનું કારણ બહાર આવશે
ગાંધીનગરનાં સુઘડ નર્મદા કેનાલમાં ગઈકાલે બુધવારે ડૂબેલા કોલવડાના યુવાનની શોધખોળ કરતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આજે ગુરૂવારે સુઘડ કેનાલમાં પડેલી અમદાવાદની મહિલાને જીવતી બહાર કાઢી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
ગાંધીનગરનાં અડાલજ ખાતેની કેનાલમાં કોલવડાનાં યુવાને મોતની છલાંગ મારી હોવાની જાણ થતાં ગઈકાલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સાંજે અંધારું થઈ જતાં ફાયર બ્રિગેડ પરત ફરી ગઈ હતી.
આજે સવારે ફરીવાર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કોલવડાનાં યુવાનની કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સુઘડ નર્મદા કેનાલમાં મહિલા પડી હોવાની જાણ થતાં ફાયરની ટીમ ત્યાંથી જ સુઘડ કેનાલ પર દોડી ગઈ હતી. અને ભારે જહેમત બાદ મહિલાને જીવતી કેનાલમાંથી બહાર કાઢી લેવાઈ હતી.બનાવની જાણ થતાં મહિલાના પતિ સહિતના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને અડાલજ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં મહિલાને પોલીસ ચોકી લઈ જવામાં આવી હતી. પરંતુ મહિલા કશું જ બોલતી ન હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા સાબરમતી ટોલ ટેક્ષ પાસે રહેતી હોવાની જાણવા મળ્યું છે. જે બે ચાર દિવસથી પરિવાર સાથે પણ વાત કરતી ન હતી. અને તેણે ઘરનો ત્યાગ કરી દેતા પરિવારજનો તેની શોધખોળ કરતા હતા.
મહિલાની સ્થિતિ જોઈને તેનો પતિ તેને હાલમાં સારવાર અર્થે દવાખાને લઈ ગયો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિ જોતાં વધુ પૂછતાંછ કરી નથી કેમકે તેને પહેલા સારવારની જરૂરિયાત હતી. બપોર સુધીમાં મહિલાએ કયા કારણોસર કેનાલમાં પડતું મુક્યું કે તેનો પગ લપસી ગયો તેની સઘળી હકીકત જાણવા મળશે.