ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્યએ લેટર લખતાં રાજકારણ ગરમાયું
સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માગ કરી છે. પોલીસ બેફામ ઉધરાણી કરે છે અને લોકોની હેરાનગતિ વધી હોવાનું પણ પત્રમાં લખ્યું છે. આ સાથે ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્ય લેટર લખતાં રાજકારણ ગરમાયું છે.
કેસો વધુમાં વધુ કરવા સુચના આપવામાં આવી છે
સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં રોડ સેફ્ટીને લાગતી કામગીરીની સમીક્ષામાં બેઠકમાં રાજ્ય ખાતે બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા સુચના આપવામાં આવી છે. આગામી તા 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા તથા આ ડ્રાઇવ દરમ્યાન હેલ્મેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવાના રહેશે.
પત્રમાં શું લખ્યું છે?
કુમાર કાનાણી એ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવ્યું કે 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ જેને ધ્યાને લેતા હાલ કોવિડ-19ની પરિસ્થિતિ હમણાં જ કાબુમાં આવેલ છે. સામાન્ય પ્રજા હાલ જ આ બંધનોમાંથી મુક્ત થયેલ છે. તેથી આ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખુબ મુશ્કેલ ભર્યો છે. શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહીને બેફામ પૈસાની ઉઘરાણી કરી રહેલ છે તેમજ તેમની હેરાનગતી વધી રહેલ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માટે મારી ભલામણ છે.
સરકારના જ નિયમો અને કામગીરી ઉપર પ્રશ્નો ઉભા કર્યા
ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મુકવા માટે જાણીતા છે. વરાછા વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મ્યુનિસિપલ કમિશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહેતા હોય છે. પ્રજાને પડતી અગવડને લઈને તેઓ પરોક્ષ રીતે સરકારના જ નિયમો અને કામગીરી ઉપર પ્રશ્નો ઉભો કરી દેતા હોય છે. ટ્રાફિક પોલીસ હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે. વરાછા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાને બદલે વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોવાની પણ ખૂબ ફરિયાદ સામે આવી રહી છે. કુમાર કાનાણીને લખેલા પત્ર બાદ હવે ગૃહ પ્રધાન અને તેમના જ સાથી ધારાસભ્ય હર્ષ સંઘવી ષું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
SOURCE – DIVYA BHASKER