સ્ટેટ વિજિલન્સ સેલે ગત વર્ષની સરખામણીમાં 45 જેટલા વધુ ગુના નોંધ્યા, 100થી વધુ દારૂ અને 47 જુગારની રેડ પાડી
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. આ ચૂંટણીને લઈને સરકારની છબિ ખરડાતી બચાવવા અને સરકાર અંગે પ્રજાની સેન્સ જાણવા માટે સરકાર દ્વારા કરાયેલી બદલીમાં કેટલાક અધિકારીઓને આઇબી તથા સ્ટેટ વિજિલન્સ સેલમાં મૂકવામાં આવ્યા છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારીઓની સ્ટેટ વિજિલન્સ સેલમાં નિમણૂક થતાંની સાથે જ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સ્ટેટ વિજિલન્સ સેલે જાન્યુઆરીથી 25મી એપ્રિલ સુધીમાં જ દારૂ-જુગારના 150થી વધુ ગુના નોંધીને સપાટો બોલાવી દીધો છે. આ ગુનાઓમાં 3 કરોડના દારૂના જથ્થા સાથે કુલ 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, એમાં પણ ક્વૉલિટી કેસ કરીને પોલીસ-ઇન્સ્પેકટર સહિત ડઝેનક જેટલા પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ થવા પામ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગત 2021ના વર્ષમાં આ જ સમયગાળામાં સેલ દ્વારા કરવામાં આવેલા કેસોની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષમાં 45 જેટલા વધુ ગુના નોંધાયા છે.