હારીજના રોડા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો, 8 વર્ષના બાળકનું મોત, પતિ-પત્ની અને બાળકીને ગંભીર ઈજાઓ

0
202

સામેના બે બાઇક સવારોને પણ ઇજા, તમામને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં

પરિવાર કાંકરેજ લગ્ન પ્રસંગમાં ગયો હતો, મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી

હારીજ તાલુકાનાં રોડા ગામ નજીક જુમી પેટ્રોલપંપ પાસે ગત સોમવારની મોડી સાંજે બે બાઇકો અથડાતાં એક બાઇક ઉપર સવાર એક પરિવારના ચાર સભ્યો પૈકી આઠ વર્ષનાં એક બાળકને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. તેમજ પતિ-પત્ની અને બાળકી સહિત ત્રણને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય બાઈક પર સવાર બે લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તમામ ઈજાગ્રસ્તોને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સૂત્રો અનુસાર બહુચરાજી તાલુકાના ગણેશપુરા ( કાલરી ) ગામે રહેતા વિક્રમજી વજાજી ઠાકોર તા. 7 ફેબ્રુઆરીના રોજ તેમની પત્ની ભારતીબેન, દીકરો મેહુલ ( ઉ.વ. 8 ) તથા દીકરી જાનકી ( ઉ.વ. 10 ) સાથે પોતાના નવા નંબર વગરનાં બાઈક ઉપર તેમની સાસરી જામપુર, તા. કાંકરેજ ખાતે લગ્નપ્રસંગે ગયા હતા. ત્યાંથી પરત પોતાના ગામે જવા બાઇક પર જતા હતા, ત્યારે હારીજના રોડા ગામ પાસે ભૂમિ પેટ્રોલપંપ પાસે સામેથી આવતા એક બાઇક ચાલકે વિક્રમજીના બાઇકને ટક્કર મારી હતી.

બાળકને માથામાં વધારે ઈજા થઈ હતી

અકસ્માતને પગલે બંને બાળકો અને પત્ની તથા પતિ એમ ચારેય જણા નીચે પડી જતા તેમને ઇજાઓ થઇ હતી. જેમાં દીકરા મેહુલ ઉર્ફે જયરાજને માથામાં વધારે ઇજા થઇ હતી. તમામને 108 મારફતે પ્રાથમિક સારવાર આપીને પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં દીકરા મેહુલને તબીબે મૃત જાહેર કર્યો હતો.

અકસ્માત સર્જનારા બે બાઇક સવારોને પણ ઇજાઓ

અકસ્માત સર્જનારા બે બાઇક સવારોને પણ ઇજાઓ થતાં તેમને પણ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓ બંનેના નામ શંકરભાઇ અરજણભાઇ તથા નરેશભાઇ દેવરાજભાઇ હોવાનું વિક્રમજી ઠાકોરે પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here