સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર ખાતે આવેલા હિંમતનગર માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેકટરોમાં ઘઉં ભરીને વેચાણ માટે ઉમટી પડયા હતા. ગુરૂવારે વેપારીઓએ કરેલી હરાજીમાં ખેડૂતોને પ્રતિ મણ રૂા.૭૦૨ નો રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હિંમતનગર માર્કેટયાર્ડમાં ૩૯૨૨૫ મણ ઘઉંની ખરીદી થઇ હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યુ છે.
હિંમતનગર યાર્ડમાં ગામડા ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ લોકો વેપારીઓ પાસે ઘઉંના વેચાણ માટે આવતા હોય છે. હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા વેપારીઓ અને ખેડૂતો સાથે સંકલન કરીને જાહેરમાં હરાજી કરીને ખેડૂતોને લાભ તે પ્રકારે ભાવની બોલી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત વેચાણ માટે આવેલા ખેડૂતને સમયસર નાણાં મળી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવતુ હોવાથી વધુને વધુ ખેડૂતો હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના વેચાણ માટે આવતા હોય છે. હિંમતનગર, ઇડર, રણાસણ, ગાંભોઇ ઉપરાંત જાદર પંથકમાંથી પણ ખેડૂતો ઘઉં વેચવા હિંમતનગર યાર્ડમાં જ આવીને પોતાનો માલ વેપારીઓને વેચાણ કરે છે.
આ અંગે માર્કેટયાર્ડના સત્તાધીશોએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવની જાહેરાત કરી હોવા છતાં પણ હિંમતનગર માર્કેટયાર્ડમાં વેપારીઓ ઉંચા ભાવે ઘઉંની ખરીદી કરવાથી ખેડૂતોને લાભ થાય છે. વધુને વધુ ખેડૂતો ઘઉં વેચવા માટે હિંમતનગર માર્કેટયાર્ડમાં આવતા હોય છે. આજે ઘઉંનો પ્રતિ મણ રેકોર્ડ બ્રેક ભાવ રૂા.૭૦૨ બોલાયો હતો. વિદેશોમાં ભારતના સારા ગુણવત્તાવાળા ઘઉંની માંગ ખુલી છે. જેનો સીધો લાભ ખેડૂતોને થવાનો છે.
તલોદ :તલોદ માર્કેટયાર્ડમાં સવારથી જ ખેડૂતો ટ્રેકટર, ડાલામાં ઘઉં વેચવા માટે આવતા માર્કેટયાર્ડમાં વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આજુબાજુના ગામડાઓમાંથી ઘઉંનો ભાવ સારો મળતો હોવાથી આજુબાજુના ખેડૂતો માલ વેચવા માટે તલોદ માર્કેટયાર્ડ ખાતે વાહનો લઈને આવતા આખુ માર્કેટયાર્ડ છલકાયું હતું. તેમાં વેચાણ કરનાર ખેડૂતો અને લેનાર વેપારીઓને સારો ફાયદો થાય તેવું લાગે છે.
source – nav gujarat samay