21મીએ મહેસાણા અને બનાસકાંઠા તેમજ 22મીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તા.20 મીથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતાં વાદળ ઘેરાવાની શરૂઆત થઇ શકે છે. 21 અને 22 એપ્રિલના રોજ 40 થી 75 ટકા સુધી આકાશ કાળાં વાદળોથી ઘેરાઇ શકે છે. તા.21 મીએ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં, જ્યારે તા.22 મીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવા કમોસમી વરસાદની શક્યતા છે.કમોસમી વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવશે. જોકે, હવામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધતાં સપ્તાહના અંત સુધી અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન, સોમવારે મુખ્ય 5 શહેરોનું તાપમાન 1 ડિગ્રી સુધી ઘટીને 39 ડિગ્રીથી 40.1 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બીજી બાજુ વહેલી સવારે ભેજનું પ્રમાણ 60 થી 65 ટકા અને બપોરે 21 થી 25 ટકાની વચ્ચે રહેતાં અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.
વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થઈ શકે છે
આગામી 21 અને 22 એપ્રિલ કમોસમી વરસાદ સમયે ગાજવીજ થવાની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં 3 વખત કમોસમી વરસાદ થયો
વર્ષ 2012 થી 2021 સુધીના છેલ્લા 10 વર્ષમાં 3 વખત એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ થઈ ચૂક્યો છે. જેમાં ગત 20 એપ્રિલ 2013, ગત 12 એપ્રિલ 2015 અને ગત 17 એપ્રિલ 2017માં વરસાદ વરસ્યો હતો.
ખેડૂતો-પશુપાલકોને સાવચેત રહેવા કૃષિ વિભાગની સલાહ
કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કાપણી કરેલો પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખેસડી દેવા સલાહ આપી છે. આ સાથે પશુપાલકોને પશુઓને ખુલ્લી જગ્યા કે ઝાડ નીચે ન બાંધી સુરક્ષિત સ્થળે રાખવા કહેવાયું છે. આ સાથે વરસાદ સમયે શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવા કહેવાયું છે.
Source – divya bhaskar