જાગનાથ પ્લોટ-1માં રાજદર્શન એપાર્ટમેન્ટમાં આવેલા બંધ ફ્લેટમાં ગત તા.27 ડિસેમ્બરના રોજ રૂ.23,41,449ની ચોરી થઇ હતી. જેમાં અઢી લાખ રોકડા, 47 તોલા સોનાના ઘરેણાં તેમજ 4800 વિદેશી ચલણની ચોરી થઇ હતી.
બનાવની ફરિયાદ બાદ પોલીસે મૂળ જૂનાગઢના સાંબલપુરના અને હાલ રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીમાં રહેતા ડાડા ઉર્ફે ઇકબાલ મામદ ઉર્ફે મહમદ ઠેબાને રોકડા દોઢ લાખ, 1680 વિદેશી ચલણ મળી કુલ રૂ.5.03 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. ડાડા ઉર્ફે ઇકબાલની પૂછપરછમાં તેની સાથે વંથલીના બરવાળાનો નીતિન ઉર્ફે હિરેન નાથા સોલંકી પણ હોવાની કબૂલાત આપી હતી. અગાઉ જૂનાગઢમાં દસ ચોરીના ગુનામાં પકડાઇ ચૂકેલો નીતિન ઉર્ફે હિરેન રીઢો તસ્કર હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન નીતિન ઉર્ફે હિરેન નવસારીના બિલિમોરા હોવાની માહિતી મળતા તુરંત એક ટીમ બિલિમોરા દોડી જઇ નીતિન ઉર્ફે હિરેનને સકંજામાં લીધો હતો. પોલીસે નીતિન પાસેથી એક લાખની રોકડ તેમજ રૂ.13.18 લાખના 32 તોલા સોનાના ઘરેણાં મળી કુલ રૂ.14,18,949નો મુદ્દામાલ કબજે કર્યો છે. નીતિન ઉર્ફે હિરેનની ધરપકડ કરી પૂછપરછ કરતા બંને રાત્રીના ટુ વ્હિલ પર નીકળી શહેરના પોશ વિસ્તારમાં જઇ ટુ વ્હિલ ગમે ત્યાં પાર્ક કરી દેતા હતા.
બાદમાં બંને પગપાળા ચાલીને બંધ મકાન-ફ્લેટની રેકી કરી મોડી રાતે બંધ મકાન-ફ્લેટને નિશાન બનાવતા હતા. બંધ મકાન કે ફ્લેટના તાળાં તોડી અંદર પ્રવેશી કિંમતી ચીજવસ્તુઓ ચોરી કર્યા બાદ ઘરમાં જ રહેતા હતા. બાકીની મતા કબજે કરવા પૂછપરછ હાથ ધરી છે.