આરોપી કિશોર કે જે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે તેણે કર્યું હતું પેપર લીક
દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે પોલીસ દ્રારા કરવામાં આવી ધરપકડ
ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે આજે વધુ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે છેલ્લા ૩ દિવસમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની ધરપકડ કરી છે. આ બાબતે ગાંધીનગરના રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ કિશોર આચાર્યએ ૯ લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા પોલીસના લોકરક્ષક ભરતી બોર્ડના પેપરલીક કેસમાં ગુજરાત પોલીસની છબી ખરાડાઈ હતી. અત્યંત ગોપનીયતા હોવાનું કહી પ્રિન્ટિગ પ્રેસનું અને એજન્સીનું નામ છુપાવતી ગુજરાત પોલીસના નાક નીચેથી એક વ્યક્તિ પેપર લીક કરી દેશના અન્ય રાજ્યોમાં લેવાતી પરીક્ષાના પેપરો લીક કરતી ગેંગ સુધી પહોંચાડતો હતો. ત્રણ વર્ષ બાદ પણ રાજ્ય સરકાર પ્રિન્ટિંગ પ્રેસને સુરક્ષિત કરી શકતી નથી જેનાથી લાખો બેરોજગારોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
ગાંધીનગર રેન્જ આઈ.જી.અભય ચુડાસમાએ આપી માહિતી
ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, દેવલ પટેલ પણ ત્યાંજ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપ્યું હતું, મંગેશ પાસેથી ૭ લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ ૯ લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
પેપરકાંડમાં છેલ્લા ૩ દિવસમાં ૧૧ આરોપીઓને પોલીસે ઝડપ્યા
આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં દિપકની પૂછપરછ ચાલી રહી છે. વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઈકાલે પોલીસે બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી હતી. નોંધનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે ઘણા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી છેલ્લા ૩ દિવસમાં ૧૧ આરોપીઓ ઝડપાયા છે જ્યારે ૨૩ લાખ જેટલી રકમ પણ પોલીસે જપ્ત કરી છે.
આરોપીના ઘેરથી ૨૩ લાખ જપ્ત કરાયા
ગઈકાલે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે.
પેપરકાંડનો માસ્ટરમાઈન્ડ હજી ફરાર
પોલીસ હજુ મુખ્ય આરોપીઓને શોધી રહી છે, ત્યારબાદ પેપર ક્યાંથી લેવામાં આવ્યું, આમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત આ મામલે કોઈ સરકારી કર્મચારી, કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં બાકીના આરોપીઓની પકડાયા બાદ જ વધુ યોગ્ય કડી મળશે એવું પોલીસ માની રહી છે, તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે એવી શક્યતા છે.