૩૭૬ મતદાન મથકો પર ૨.૮૬ લાખ મતદારો સરપંચ અને વોર્ડ સભ્યોનું ભાવિ નક્કી કરશે
મહેસાણા જિલ્લામાં ૧૦૭ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં ૧૦૭ ગ્રામ પંચાયતોમાં ૩૧૫ સરપંચો અને ૮૪૪ વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણી માટે ૩૭૬ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં ૨ લાખ ૮૬ હજાર ૩૭૨ મતદારો ૩૧૫ સરપંચોનું ભાવિ નક્કી કરશે. જિલ્લામાં બપોર સુધીમાં ૧૮ ટકા મતદાન નોંધાયું હતું.
મહેસાણા જિલ્લામાં ચૂંટણીમાં ૩૭૬ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ચૂંટણીમાં કુલ ૪૯ ચૂંટણી અધિકારી, ૪૯ મદદનિશ, ૫૨ ઝોનલ, ૨૦૮૫ પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં ૨ લાખ ૮૬ હજાર ૩૭૨ મતદારો મતદાન કરી ૩૧૫ ભાવિ સરપંચોને ચૂંટી કાઢશે.
જિલ્લાના કુલ ૩૭૬ મતદાન મથકોમાંથી ૨૦૭ મતદાન મથકો સંવેદનશીલ છે અને ૨૧ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. પરિણામે આ મતદાન મથકો પર કોઇ માથાકૂટ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.આ વખતે જાણે કે ગ્રામ પંચાયતની નહી પણ ધારાસભ્યની ચુંટણી હોય તેવું લાગી રહ્યું છે.દરેક રાજકીય પાર્ટીઓ ગામડાઓ સુધી પોતાનું વર્ચસ્વ જમાવવા મતદારોને રીઝવી રહી છે.