૮૮ હજાર ઉમેદવારોએ આપી હતી હેડ ક્લાર્કની પરીક્ષા,પરીક્ષા રદ થતાં રાજકારણ ગરમાશે
૧૨ ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ૧૪ આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જાે ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. ૭૦ પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.
પેપર લીક કાંડનો મામલો ગરમાતા અને રાજકીય સ્વરૂપ લઈ લેતા સરકાર એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષા રદ કરવા અને આરોપીઓ સામે કડક પગલાં લેવાના ર્નિણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.
પેપરલીક કાંડના ગુનેહગારો
દેવલ પટેલ, મંગેશ શિર્કે, કિશોર આચાર્ય, દિપક પટેલ, જયેશ પટેલ, મહેશ પટેલ ,ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આપના નેતા યુવરાજસિંહે પેપરલીકનો ભાંડો ફોડ્યો
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળનેકેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.
પ્રિન્ટિંગ પ્રેસમાંથી લાખો રૂપિયામાં વેચાયું પેપર
સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ ૯ લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.
કેવી રીતે ઝડપાયો મુખ્ય સૂત્રધાર?
પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પૂછપરછ કરતાં તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શિર્કે પાસેથી મેળવી ૦૯ લાખ રૂપિયામાં ૯ ડિસેમ્બરે પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શિર્કેને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્યને પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ માટે આપ્યું હુતું.
રાજ્યમાં ૬ શહેરોમાં લેવાઈ હતી પરીક્ષા
કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં ૬ શહેરમાં ૭૮૨ કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં ૮૮ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.