- હિંસક પાડાના ડરથી લોકો ઝાડ પર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા હતા
- ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં પાડાએ 10થી વધુ લોકો પર હુમલો કર્યો હતો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આતંક મચાવનાર હિંસક પાડને છેવટે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોએ જ ભેગા થઇને પકડી પાડ્યો છે. આ પાડાએ 10થી વધુ લોકો પર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી અને પાડાના ડરથી લોકો ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા હતા અને લોકો દિવસે પણ ઘરની બહાર નીકળી શકતા નહોતા. જોકે, હવે પાડો પકડાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પાડો લોકો પર જીવલેણ હુમલા કરતો હતો
પાદરા તાલુકાના ડબકા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે તળિયા ભાઠા વિસ્તાર આવેલો છે. ડબકાના તળીયા ભાઠા અને ગંભીરાના ભાઠા વિસ્તારમાં 100 જેટલા લોકો છૂટાછવાયા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પાડાએ ભાઠા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. જે લોકોને જુએ તેના ઉપર જીવલેણ હુમલો કરી રહેલા પાડાએ અનેક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચાડતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. લોકો સતત ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા હતા.
સ્થાનિકો કહે છે કે, પાડો પકડાઇ જતા અમને રાહત થઇ
ડબકાના તળીયા ભાઠામાં પરિવાર સાથે રહેતા સજનબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી પાડાએ જીવવું મુશ્કેલ કરી દીધું હતું. અમે પરિવારમાં 9 સભ્યો છીએ. અમે આમલીના ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેતા હતા. હુમલો કરી રહેલો પાડો બાળકો, મોટા માણસો તેમજ ઢોરને નિશાન બનાવી રહ્યો હતો. અત્યાર સુધીમાં 10 જેટલા લોકો ઉપર હુમલો કરીને નાની-મોટી ઇજા પહોંચાડી હતી. જોકે હવે પાડો પકડતા અમને રાહત થઇ છે.
લોકો માટે જીવવું મુશ્કેલ થઇ ગયું હતું
ડબકાના મહી નદીના તળિયા ભાઠા વિસ્તારમાં રહેતા મમતાબેન જણાવ્યું કે, પાડો સાંજે આવતો હતો અને ઘર પાસે રમતા બાળકો તેમજ ઘર પાસે બેસતા લોકો અથવા સીમમાં ખેતમજૂરી કામેથી આવતા લોકો માટે જીવવું મુશ્કેલ થઇ ગયું હતું. લોકો ઝાડ પર રહેવા મજબુર બન્યા હતા. પાણી ભરવા માટે જઇ શકાતું નહોતુ. છેલ્લા 15 દિવસથી દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા. પાડો પકડાઇ જવાથી હવે અમે શાંતિથી જીવી શકીશું.